shambhu sharne padi mangu ghadi re ghadi શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી Bhajan lyrics in gujarati
શંભુ શરણે પડી, માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો
દયા કરી શિવ દર્શન આપો
તમો ભક્તોના દુઃખ હરનારા,
શુભ સૌનું સદા કરનારા
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે..........
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે...........
નેતિ નેતિ જયાં વેદ કહે છે,
મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો
દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે............
હું તો એકલ પંથી પ્રવાસી,
છતાં આતમ કેમ ઉદાસી
થાકયો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો
દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે............
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું,
સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું
મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો
દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે............
ભોળા શંકર ભવ દુઃખ કાપો,
નિત્ય સેવાનું શુભ ફળ આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભકિત આપો
દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે............

Comments
Post a Comment