Gandani vanzar ગાંડાની વણઝાર Bhajan lyrics in gujarati
ગાંડાની વણજાર એનો ગણતાં ન આવે પાર
જો જો તમે ગાંડાની વણજાર .. ..
શુક ગાંડો, ધ્રુવ ગાંડો, ગાંડો કયાધુ કુમારજી,
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહી ઘરબાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
હનુમાન ગાંડા, વિભીક્ષણ ગાંડા, ગાંડી શબરી નારજી,
ગાંડા ગુહએ પગ ધોઇને પ્રભુને ઊતાર્યા પાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વહેવારજી
બંસી નાદે ચાલી નિકળી સુતા મેલી ભરથાર …
જો જો તમે ગાંડાની વણજાર .. ..
સુદામાના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગારજી,
પાંચ પાંડવ એવા ગાંડા જેણે છોડયા નહીં કરતાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
વિદુર પત્ની ગાંડી થઇને રટે નંદ કુમારજી
છબીલાને છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
બોડાણાના ગાંડપણે તો કામ કર્યુ હદબાર જી..
દ્વારીકાના ઠાકોર આવ્યા ડાકોર ગામ મોજાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
કબીર, તુલસી સુર ગાંડો, રોહીદાસ ચમારજી,
ગોરાંદે તો ગાંડા થઇને, ગાંડો કીધો સંસાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
ધનો ગાંડો, ધીરો ગાંડો, ગાંડો પ્રીતમ પ્યારજી,
સખુ મીરાં,કરમાં ગાંડા, જેણે તોડ્યા જગથી તાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
દાદુ ગાંડો, પીપો ગાંડો, અખૈયો સોનારજી,
પંઢરપુરનો ગોરો ગાંડો, ઇતો માટલાનો ઘડનાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
નામો, દામો ,તુકો ગાંડો, મુળદાસ લુહારજી,
જલારામની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
જુનાગઢના નાગર ગાંડો, નાચે થે થે કારજી,
બાવન કામ કર્યા શ્રી હરિએ,આવ્યો નહી અહંકાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..
થયા ઘણાને હાલમા છે અને, ભવિષ્યમાં થનારજી,
ભકત કુળનો નાશ નથી, એમ બોલ્યા જુગદાધાર .
જો જો તમે ગાંડાની વણજાર .. ..
દુનિયાને જેણે ગાંડા ગણ્યા તે, હરિને મન હોશિયારજી,
"ગોવિંદ" ગાંડો એનું ગીત ગાંડુ, ગાંડા સાંભળનાર ..
જો જો તમે ગાંડાની વણજાર .. ..

Comments
Post a Comment