shurvir ne tu joi ne prani kayar thay ne bhagish ma શૂરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશ માં Bhajan lyrics in gujarati
શૂરવીરને તું જોઇને પ્રાણી,
કાયર થઇને ભાગીશ મા
કાયરપણાની વાતા કરીને,
બીજાને બીવડાવીશ મા
સીધે મારગે જે કાઇ ચાલે,
અવડો માર્ગ બતાવીશ મા
પરાયાનું સારું જોઇને,
દિલડું તારું દુભાવીશ મા
શૂરવીરને તું જોઇને .............
સુગંધની જો ખબર ન હોય તો,
ફૂલડાને તું તોડીશમા
પાણી ન પા તો ચાલશે પણ,
ઊગતા છોડ ઊખેડીશ મા
શૂરવીરને તું જોઇને ...
દાન ન દે તો દયા રાખજે,
બોલીને કોઈનું બગાડીશમા
સમજયા વિનાની વાતો કરીને,
મૂર્ખમાં નામ નોંધાવીશમા
શૂરવીરને તું જોઈને ...
હરિ ભજનમાં જઇને પ્રાણી,
ઘરની વાતો ઊખેડીશ મા
શબ્દો સમજ્યા વિના તાલના ઠેકે,
માથું તારું ધુણાવીશ મા
શૂરવીરને તું જોઇને ...
નાથ કૃપાથી નામ મળ્યું છે,
એને ઊંઘમાં ઊંધું વાળીશમા
કહે "પુરૂષોતમ" ગુરૂ પ્રતાપે,
અવસર એળે ગુમાવીશ મા
શૂરવીરને તું જોઇને .. ..

Comments
Post a Comment